દુનિયાભરમાંથી પ્લેન ક્રેશના ઘણા કિસ્સા સામે આવ્યા છે. ઘણી વખત એવું બન્યું છે કે જ્યારે એન્જીન ફેલ થવાને કારણે લોકોએ જીવ ગુમાવ્યો હોય તો ઘણી વખત પાયલટે પ્લેન પરનો કાબૂ ગુમાવ્યો હોય. આવો જ એક કિસ્સો થોડા વર્ષો પહેલા ઈજિપ્ત જઈ રહેલા એક પ્લેન પરથી પ્રકાશમાં આવ્યો હતો જ્યારે તે સમુદ્રમાં ક્રેશ થઈ ગયો હતો અને તેમાં 66 લોકોના મોત થયા હતા.
હવે આ મામલે મોટો ખુલાસો થયો છે.
વાસ્તવમાં, ન્યૂયોર્ક પોસ્ટે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે આ પ્લેન ક્રેશ થવાનું મુખ્ય કારણ એ હતું કે પાયલોટે કોકપીટમાં સિગારેટ સળગાવી હતી. આ પછી આગ આખા પ્લેનમાં ફેલાઈ ગઈ. આ બધું ત્યારે થયું જ્યારે આ પ્લેન ફ્રાન્સના પેરિસ ચાર્લ્સ ડી ગોલ એરપોર્ટથી કૈરો જઈ રહ્યું હતું. રિપોર્ટ અનુસાર આ ઘટના મે 2016ની છે. આ દુર્ઘટનાનું કારણ તે સમયે જાણી શકાયું ન હતું.
ઘણા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે આ એક આતંકવાદી હુમલો હતો. તે દરમિયાન તે ક્રેશ થઈને ભૂમધ્ય સમુદ્રમાં પડી ગયું. મૃતકોમાં એક બ્રિટિશ, 12 ફ્રેન્ચ પ્રવાસીઓ, 30 ઇજિપ્તવાસીઓ, બે ઇરાકી અને કેનેડિયન સહિત 66 લોકોનો સમાવેશ થાય છે. દુર્ઘટનાનું કારણ જાણવા માટે ઘટના બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ તે સમયે કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું ન હતું.
દરમિયાન, તાજેતરની તપાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્લેનના ઈમરજન્સી માસ્કમાંથી ઓક્સિજન લીક થઈ રહ્યો હતો. જે બાદ પાયલટે સિગારેટ સળગાવતા જ ઉડતા પ્લેનની કોકપીટમાં આગ ફાટી નીકળી હતી. આ આગ આખા પ્લેનમાં ફેલાઈ ગઈ અને પ્લેન તરત જ ક્રેશ થઈને દરિયામાં પડી ગયું.